← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નથી દોડવું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હવે નથી રે દોડવું મારે, નથી રે દોડવું,
ઘોડા જેવું આંખે ડાબલાં, નથી રે ઓઢવું.

સવારે ટ્રેન ને સાંજે ટ્રેન, વચ્ચે ઑફિસ ઢગલો,
પગાર આવે, ખર્ચ ખાઈ જાય, ખાલી રહે ગજવો;
જીવતર આખું હપ્તે ચાલે, ક્યાં સુધી આ જોડવું…
હવે નથી રે…

દીકરો મોટો થઈ ગયો, ને મેં એને ના જોયો,
માની દવાનું બિલ ભર્યું, પણ માનો હાથ ખોયો;
સફળતાની સીડી ચડી, પણ ઘર ભીતરે તોડવું…
હવે નથી રે…

પરાગ કહે: આ રમત અધૂરી, મેલ હવે આ બાજી,
ઓસરીએ બેસી ચા પીવી, એ જ મોટી રાજી;
ઘડિયાળને ખીંટીએ ટાંગી, મનને ખુલ્લું છોડવું…
હવે નથી રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકોરો હતોઆગલો લેખ →બાયોડેટા