નળિયું ફૂટ્યું
નળિયું ફૂટ્યું તો નવું નાખીએ, ભીંત્ય તૂટે તો લીંપીએ,
મનડું ફૂટ્યું, ઈને ચ્યમ સાંધીએ? કઈ માટીથી છીંપીએ?
ચોમાહે ટપકે ઓરડો, ઠામ મૂકીએ હેઠે,
ઠામ ભરાય ને ઠાલવીએ, રાત આખી જાગી બેઠે;
આંખ્યુંનું ટપકવું બંધ ન થાય, ઈને ક્યાં ઝીલીએ?
મનડું ફૂટ્યું…
ખેતરની વાડ્ય ભાંગે તો કાંટા વાઢી બાંધીએ,
ગાડું ભાંગે તો સુથારને બોલાવીને બાંધીએ;
પણ વેણ વાગ્યાં જે વહાલાનાં, ઈનાં ઘા ક્યાં સીવીએ?
મનડું ફૂટ્યું…
પરાગ કહે: એક જ લેપ છે, એનું નામ છે વ્હાલ,
બે હાથ ઝાલી, બે ઘડી બેસો, પૂછો સાચો હાલ;
ગારો તો ગામમાંથી મળે, પણ હેતને ક્યાંથી લઈએ?
મનડું ફૂટ્યું, ઈને ચ્યમ સાંધીએ? કઈ માટીથી છીંપીએ?
– પરાગ રતનપરા