ઑનલાઇન ગિરધારી
ઑનલાઇન આવ્યા ગિરધારી, ભાઈ, ઑનલાઇન આવ્યા ગિરધારી,
મંદિરે જાવાની હવે ક્યાં જરૂર? દર્શન ઘેર બેઠાં ભારી!
સવારે મંગળા લાઇવ ચાલે, રાજભોગ પર રીલ,
પ્રસાદ મંગાવો ડિલિવરીમાં, સાથે મળશે બિલ;
‘લાઇક કરો, ને શૅર કરો’ — બોલે પૂજારી વારી વારી…
ઑનલાઇન આવ્યા ગિરધારી…
દાદીમાએ ફોન ઝાલ્યો, આંખે ચશ્માં ચડાવ્યાં,
‘આ કાનુડો કેમ આટલો નાનો?’ કહી ઝૂમ કર્યાં, ફેલાવ્યાં;
સ્ક્રીન ઉપર જ ચાંલ્લો કરી દીધો, ફોન થયો લાલ ભારી…
ઑનલાઇન આવ્યા ગિરધારી…
પરાગ કહે: ભલે નેટ ધીમું, ભલે બૅટરી ખૂટે,
ભાવ સાચો હોય તો રે, ભગવાન ક્યાંય ન છૂટે;
પણ એક વાર તો મંદિરે જજો, ત્યાં ઘંટ વાગે છે ન્યારી…
ઑનલાઇન આવ્યા ગિરધારી, ભાઈ, ઑનલાઇન આવ્યા ગિરધારી.
– પરાગ રતનપરા