રાધા
નથી બસ શ્યામની છાયા, સ્વયંની છે કથા રાધા,
વિરહની આગમાં બળતી, છતાં હસતી સદા રાધા.
ગયો મથુરા, થયો રાજા, તજી ત્યાં વાંસળી કાનો,
હજી ગોકુળ ગલીઓમાં બની ઘૂમે હવા રાધા.
જમાનો પૂછતો: ‘કાનો ગયો, તો શું હવે બાકી?’
હસીને એ કહે: ‘હું તો સ્વયં મારી દિશા’ રાધા.
હજી પાણી ભરે ગોરી નદી કાંઠે જતી ત્યારે,
હજી દેખાય છે એની અદામાં એ છટા રાધા.
પરાગે કૃષ્ણને પૂછ્યું: ‘તને શું ગોકુળે મળતું?’
કહે: ‘મારી બધી પૂજા, ઇબાદત ને દુઆ રાધા.’
– પરાગ રતનપરા
#ગઝલ #રાધા #કૃષ્ણ #પ્રેમ #સ્ત્રીસ્વાભિમાન #પરાગરતનપરા
#GujaratiGhazal #Radha #RadhaKrishna #DivineLove #WomanhoodAndSelf #ParagRatanpara