નજરું લાગી
માડી, મારી પાનીએ કોની નજરું લાગી?
મેળે ગઈ’તી હરખાતી, ને પાછી આવી દાઝી.
ચણિયાચોળી નવલી પહેરી, ઝાંઝર ઝમકે પાય,
ગામના છોરા જોઈ રહ્યા, ને મનમાં હું મલકાય;
એક નજર એવી અડકી, કે ઊંઘ ગઈ મારી ભાગી…
માડી, મારી…
રાઈ-મીઠું ઉતાર્યું, ને બાંધ્યો કાળો દોરો,
તોય ન ઊતરે, માડી, મારો મનનો આ અંધારો;
સપનામાં પણ એક જ ચહેરો, આંખ રહે છે જાગી…
માડી, મારી…
પરાગ કહે: આ નજર નથી, આ તો પ્રીતનું બાણ,
રાઈ-મીઠું શું કરશે, એનું ઔષધ એક જ જાણ;
જેની નજરું લાગી, એની નજરું લેજે માગી…
માડી, મારી…
– પરાગ રતનપરા