નથી રમતાં
ખભે ભારે ભરી થેલી, હવે ડાળે નથી રમતાં,
ન ગિલ્લી ને ન દંડો, ના નદીપાળે નથી રમતાં.
હવે ગેમો રમે ફોને, પુરાયા ઓરડે બેસી,
પતંગો લઈ અગાસીના હવે ઢાળે નથી રમતાં.
ટકા નેવું, ઉપર ટ્યૂશન, ઉપર ક્લાસો, ઉપર ફી પણ,
બિચારાં બાળ-પંખીઓ, હવે માળે નથી રમતાં.
દિવાળીની રજામાં પણ, લખે છે લેસનો સઘળાં,
ફટાકા ફોડવા કે ગામના ગાળે નથી રમતાં.
અમે જે હીંચકા ઝૂલ્યા, ઝરણમાં નાવ તરતી’તી,
હવે બાળક, પરાગે, આ ઝરણ-નાળે નથી રમતાં.
– પરાગ રતનપરા
#ગઝલ #બાળપણ #શિક્ષણ #સ્પર્ધા #રમત #પરાગરતનપરા
#GujaratiGhazal #LostChildhood #ExamPressure #ScreenAge #Play #ParagRatanpara