← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નજરનો તણખો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક જ નજરનો તણખો, સઈ, ને મનડું મારું ભડકે,
કોઈ ન દેખે ધુમાડો, તોય હૈયું ધક ધક ધડકે.

કપાસ જેવું કૂણું હૈયું, ઝાકળ જેવી કાયા,
ઝાળ બની ગઈ પળમાં, એવી પ્રીતની લાગી માયા;
કોઈ ન જાણે, કોઈ ન દેખે, આગ અંદર તડકે…
એક જ નજરનો…

ગામ કહે, ‘આ ધુમાડો ક્યાંથી? કોણે ચાંપ્યો દીવો?’
હું કહું, ‘ચૂલો સળગ્યો છે’, પણ મનડું જાણે જીવો;
પાણી રેડો, દરિયો રેડો, આગ તો વધતી ભડકે…
એક જ નજરનો…

પરાગ કહે: આ આગ એવી, બાળે તોય ઠારે,
બળનારાને સુખ મળે, ને જોનારા બસ હારે;
રાખ થઈને પણ એ રાખ પિયુના પગલે અડકે…
એક જ નજરનો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકાળઆગલો લેખ →અણગમાની ક્ષણ