← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાળ
કોઈ રાક્ષસ નથી.

એ તો
એક ઘરડો દરજી છે,
જે રોજ રાતે
આપણા ચહેરા પર
એક ઝીણો ટાંકો લે છે.

આપણને ખબર નથી પડતી.
સવારે અરીસો
થોડો અજાણ્યો લાગે, બસ.

વર્ષો પછી
જ્યારે આખું કપડું સીવાઈ જાય,
ત્યારે એ
ધીમેથી દોરો તોડે છે
ને કહે છે:
‘લે, તારું માપ પૂરું થયું.’

ને આપણે
પહેલી વાર
એ સીવેલું વસ્ત્ર પહેરીને
કોઈ બીજા ગામ ચાલ્યા જઈએ છીએ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખટાલનું ગીતઆગલો લેખ →નજરનો તણખો