નજર ના લાગે
કાળું ટપકું કરું રે ગાલે, મારા લાલને નજર ના લાગે,
રાઈ-મીઠું ઉતારું ચૂલે, ઊંઘમાં ભલે ને જાગે.
પડોશણ આવી પૂછે, ‘કેટલો ગોરો, કેટલો વ્હાલો!’
મેં તો ઝટપટ સાડલે ઢાંક્યો, ‘ના, ના, સાવ કાળો!’
લીંબુ-મરચું બારણે બાંધ્યું, ભૂત-પલીત સૌ ભાગે…
કાળું ટપકું કરું રે ગાલે…
ભણવા ગયો, તો માની માનતા, પરણ્યો, તો વધેર્યું શ્રીફળ,
પરદેશ ગયો, તો દોરો બાંધ્યો કાંડે, ને આંખે ઝળહળ;
ગામ હસે કે ‘ભોળી છે મા’, મા તો હસતી આગે…
કાળું ટપકું કરું રે ગાલે…
પરાગ કહે: આ ટપકું કાજળનું, કાજળ નહીં, આ કવચ,
માની ચિંતા, માની દુઆ, એ જ જગતનું સાચું સચ;
દીકરો દાદો થઈ ગયો, તોય મા તો ટપકું માગે…
કાળું ટપકું કરું રે ગાલે, મારા લાલને નજર ના લાગે.
– પરાગ રતનપરા