ત્યારે આવજે
જીત વેળા ના પધારે, હાર ત્યારે આવજે,
ઉત્સવે ના, દુઃખનો જ્યાં ભાર, ત્યારે આવજે.
લોક હસતા જોઈ મુજને ગામમાં સમજે સુખી,
પાંપણે જ્યાં ઝળઝળે છે ધાર, ત્યારે આવજે.
ગીત મારાં ગાઈ લેશે મંચ પર લોકો ઘણા,
વાગતો અટકી પડે જો તાર, ત્યારે આવજે.
ઝટ ન આવે તો ય ચાલે, દોસ્ત, મોડો આવ તું,
આખરી હો શ્વાસ, છેલ્લી વાર, ત્યારે આવજે.
આ પરાગે ના નિમંત્ર્યો ફૂલ ખીલ્યે, હે સખા,
પાનખર આવે, ખરે શણગાર, ત્યારે આવજે.
– પરાગ રતનપરા
#ગઝલ #મિત્રતા #સંકટનોસાથી #વફા #હૂંફ #પરાગરતનપરા
#GujaratiGhazal #FriendInNeed #Loyalty #HardTimes #TrueCompanion #ParagRatanpara