નહીં સાલે?
ઝરૂખે બેસશે ત્યારે જગા ખાલી નહીં સાલે?
બનાવે ચા, અને બીજી હશે પ્યાલી, નહીં સાલે?
ઢળે છે સૂર્ય સાગરમાં, ગગન થાતું ગુલાબી જ્યાં,
તને ત્યારે ય મારા ગાલની લાલી નહીં સાલે?
નવા મેળે, નવા ચગડોળમાં ઝૂલે ભલે ને તું,
હથેળી જે પ્રથમ મેળે હતી ઝાલી, નહીં સાલે?
હશે એ પીપળો, એ ઓટલો, એ બાંકડો ત્યાં ને,
તને એ રાહ, જ્યાં સાથે હતી ચાલી, નહીં સાલે?
પરાગે ગંધ મૂકી છે તમારી ઓઢણીમાં, ને
ઉડી જાશે પછી, એ ઓઢણી ઠાલી, નહીં સાલે?
– પરાગ રતનપરા
#ગઝલ #વિરહ #યાદ #પ્રેમ #ખાલીપો #પરાગરતનપરા
#GujaratiGhazal #Separation #Memories #LostLove #Absence #ParagRatanpara