નગરમાં
સૂર્ય ઊગે ને પછી તો સૌ ય ભાગે નગરમાં,
રાત પડતાં ઊંઘ ક્યાં? સૌ રોજ જાગે નગરમાં.
ઓળખાણો તો હજારો, ક્યાંય ના અંગત મળે,
ભીડમાં પણ એકલાને ઠેસ વાગે નગરમાં.
કાર ઠંડી, કાચ કાળા, ને તડકમાં બાળકી,
રોટલી એ કાચ ઠોકી રોજ માગે નગરમાં.
‘હાય’ ‘હલ્લો’ ‘બાય’ સાથે સૌ ફરે મ્હોરું ધરી,
હાથ મળતા, દિલ નહીં, ને યંત્ર લાગે નગરમાં.
આ પરાગે બાલ્કનીમાં એક કૂંડું રોપિયું,
મ્હેક છે, પણ કોણ એનો મર્મ તાગે નગરમાં?
– પરાગ રતનપરા
#ગઝલ #નગર #શહેરીજીવન #ભીડમાંએકલતા #ગરીબી #પરાગરતનપરા
#GujaratiGhazal #CityLife #UrbanLoneliness #RatRace #StreetChild #ParagRatanpara