નફટ્ટ કાનો
જા રે નફટ્ટ, જા રે કાના, ફોડી મારી મટકી,
ચૂંદડી ભીંજી, ઝાંઝર છૂટ્યાં, હૈયે લાગી ચટકી!
માખણ ચોરે, એ તો સમજું, ચોરે શાને મન?
જમુનાકાંઠે ગાગર મૂકી, ભાગ્યું મારું તન;
પાછું વળીને જોઉં ત્યાં તો તું કદંબે લટકી…
જા રે નફટ્ટ, જા રે કાના…
માડીને જઈ કહીશ હું, તને બાંધે ખાંડણિયે,
પણ ઘર પહોંચું, ત્યાં તું જ મલકે મારે બારણિયે;
ગુસ્સો મારો ઓગળી ગ્યો, ને વાંસળીમાં અટકી…
જા રે નફટ્ટ, જા રે કાના…
પરાગ કહે: ગોપી ઠપકો દે, ને મનમાં મીઠું ઝૂલે,
‘નફટ્ટ’ કહીને નામ લે, ને નામ લઈને ફૂલે;
શ્યામ વિના એ મટકી શી, જે કદી ના ફટકી?…
જા રે નફટ્ટ, જા રે કાના…
– પરાગ રતનપરા