← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નદી પાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પેલે કાંઠે સાયબો મારો, વચમાં ઘોડાપૂર,
હું તો તરતી આવું રે, ભલે ન ભાળું કાંઠો દૂર.

અંધારી રાતે વીજળી ચમકે, મારગ ચીંધે મને,
ઝાડી-ઝાંખર, કાંટા, ભેખડ, કોણ ગણે રે એને?
કાળો નાગ ભલે ફૂંફાડે, હૈયે બળતો સૂર…
પેલે કાંઠે…

માએ વાર્યું, ભાઈએ ટોકી, ગામે બાંધી પાળ,
મેં તો મારી ઓઢણી બાંધી, કૂદી પડી તત્કાળ;
પાણી કહે: ‘તું પાછી વળ’, મેં કહ્યું: ‘નથી મંજૂર’…
પેલે કાંઠે…

પરાગ કહે: પ્રીતને કાંઠા, પ્રીતને ક્યાં છે માપ?
જે ડૂબે તે પાર ઊતરે, એ જ પ્રીતનો જાપ;
સામે કાંઠે દીવો બળે, ને ઝળહળે મારું નૂર…
પેલે કાંઠે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખરોટલીનો ગોળઆગલો લેખ →કવિતા ક્યારે આવે?