← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નદી મારી બેનડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નદી તો મારી બેનડી રે, એને સાસરે જાતી ભાળું,
પહાડનું પિયર છોડીને ચાલી, કોણ એને પાછી વાળું?

નાનકડી હતી ત્યારે ઝરણું થઈ ખળખળ હસતી’તી,
પથરાની સંગ પાંચીકા રમતી, રેતીમાં વસતી’તી;
હવે તો ગંભીર ગાગર ભરીને ચાલે છે મારગ ઢાળુ…
નદી તો મારી બેનડી રે…

ગામનાં પાદર પાણી પાતી, ખેતર લીલાં કરતી,
સૌને દેતી, કંઈ ના લેતી, તોય સાગર ભણી સરતી;
કાંઠે ઊભી હું હાથ હલાવું, આંખે આંસુનું તાળું…
નદી તો મારી બેનડી રે…

પરાગ કહે: દીકરી ને નદી બેય વહીને જ શોભે,
પાછાં ન વળે, પણ પિયરની માટી સાથે લોભે;
દરિયે મળીને ય મીઠપ ન ભૂલે, એવું એનું હૈયું રૂપાળું…
નદી તો મારી બેનડી રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખગઝલઆગલો લેખ →કોનું?