નદી અને પથ્થર
નદી કહે પથ્થરને: ‘ભાઈ, તું કેમ રહ્યો કઠણ?’
પથ્થર બોલ્યો: ‘તારે કાજે ઘાટ બનું, એ મારું વળગણ.’
રાતદિવસ તું ઘસતી જાતી, તોય ન કરું ફરિયાદ,
તારી ખળખળ સાથે મારો પણ ભળી ગયો નાદ;
ગોળ થયો હું તારા હાથે, એ જ મારું ઘડામણ…
નદી કહે…
ગામની છોરી બેડું ભરે, મારે ખભે બેસી,
પનિહારી ગીત ગાય ને મારે કાળજે પેસી;
પાણી સાથે પથ્થરનું પણ કેવું મીઠું સગપણ…
નદી કહે…
પરાગ કહે: કવિતા પણ નદીના જેવી રે વહેતી,
પથ્થર જેવાં હૈયાં પર એ ભીની ભાષા કહેતી;
કોરું રહે તોય ભીનું થાતું, એવું આ દર્પણ…
નદી કહે…
– પરાગ રતનપરા