નાનું વાદળ
હું તો નાનું વાદળ રે, ભાઈ, નાનું વાદળ,
ઊડતું ઊડતું આવું તારા ગામને પાદર.
દરિયે જઈને પાણી પીધું, ખારું ખારું ખારું,
સૂરજદાદા ગરણી લઈને ગાળે મીઠું મારું;
ખેતર ખેતર ઢોળી દઉં, ને ઊગે લીલી ચાદર…
હું તો નાનું વાદળ…
મોર મને જોઈ ટહુકે, દેડકાં ગાય ડ્રાઉં ડ્રાઉં,
ભૂરિયો છત્રી લઈને દોડે: ‘ઊભો રે, હું ય આવું!’
કાગળની હોડી લઈ ઊપડ્યાં છોકરાં પેલે બંદર…
હું તો નાનું વાદળ…
પરાગ કહે: વાદળ જેવાં બનજો, બાળો મારાં,
લઈને ખારું, આપજો મીઠું, રહેજો સૌથી ન્યારાં;
જ્યાં જાઓ ત્યાં હરિયાળી, ને સૌ આપે આદર…
હું તો નાનું વાદળ…
– પરાગ રતનપરા