નાનો નથી
જે નદીમાં વમળ સર્જે, કાંકરો નાનો નથી,
પાંદડું જે ઊંચકે, એ વાયરો નાનો નથી.
દેશ પરદેશો ગયો, ને ઘેર આવીને જુએ,
રાહ જ્યાં જોતી હતી મા, ઉંબરો નાનો નથી.
રણ મહીં થાકેલને જે છાંયડો દે, તે ભલે
કાંટવાળો, તોય એવો ઝાંખરો નાનો નથી.
નાચતી'તી રાધિકા, ને એક ચૂક્યો તાલમાં,
શ્યામ પણ થંભી ગયા, એ ઘૂંઘરો નાનો નથી.
બીજમાંથી ફૂટતો, માટી ખસેડી, હે પરાગ,
આભ આંબે કાલ જે, એ અંકુરો નાનો નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #નાનુંપણમોટું #મહત્ત્વ #આશા #જીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #SmallThingsMatter #Significance #Hope #Perspective #ParagRatanpara