નામ
ભૂખને ‘ઉપવાસ’ નામે વેચવાનું કામ છે,
ને ગરીબીનું અહીં તો ‘સાદગી’ શું નામ છે!
કાગળોમાં કેટલાયે બંધ ને કૂવા થયા,
ડોલ લઈને તોય ઊભું આ તરસતું ગામ છે.
શાક લાવે, બિલ ભરે, પૌત્રો નિશાળે મૂકતા,
દોડતા દાદા કહે: ‘બસ, આ જ તો આરામ છે!’
ચાપલૂસોને મળે છે હાર, તાળી, ને ઇનામ,
ને અહીં સાચું જ બોલે, એ થયો બદનામ છે.
કોઈ ‘ફોરમ’, કોઈ ‘સૌરભ’, કો’ વળી બોલે ‘પરાગ’,
નામમાં શું? શ્વાસમાં જે સંચરે, તે રામ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #નામ #દંભ #વ્યવસ્થા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Euphemisms #Hypocrisy #WhatsInAName #ParagRatanpara