‘ના’ની જોડણી
એણે મને પૂછ્યું:
‘ના’ની જોડણી કર.
મેં કહ્યું:
‘ન’ને કાનો — ના.
એ હસી:
‘ખોટું.’
પછી
ઝૂકેલી પાંપણ,
ગાલ પર ઊતરી આવેલી લાલી,
ને હોઠના ખૂણે
દબાવેલું સ્મિત —
એટલું લખીને
એણે ફરી કહ્યું:
‘ના.’
ત્યારે સમજાયું —
કેટલીક ‘ના’ની જોડણીમાં
આખેઆખી
‘હા’ સંતાયેલી હોય છે.
– પરાગ રતનપરા