મુહૂરત
મુહૂરત જોતાં જોતાં રે મારું જીવતર ઢળવા લાગ્યું,
ટીપું ઝીલવા ગયો ત્યાં તો આખું વાદળ ભાગ્યું.
શુભ ઘડીએ ગાવું'તું ગીત, ને શુભ ઘડીએ મળવું,
શુભ ઘડીના ડરમાં ભૂલ્યો હૈયાનું ઊછળવું;
પંખી તો પાંખ ખોલી ઊડ્યું, પૂછ્યા વિના કોઈને,
ને હું પંચાંગ ઉઘાડી બેઠો, ત્યાં અજવાળું ત્યાગ્યું…
મુહૂરત જોતાં જોતાં રે…
નદી ક્યાં પૂછે જોષીને કે ક્યારે દરિયે જવું?
ફૂલ ક્યાં ગણે ચોઘડિયાં કે ક્યારે ખીલી હસવું?
મેં જ મારી પાંખો બાંધી રાહુ-કાળની દોરે,
ને આંગણ આવ્યું વસંતનું ટોળું, એ પણ વાંકું લાગ્યું…
મુહૂરત જોતાં જોતાં રે…
પરાગ કહે: આ ક્ષણ જ મુહૂરત, આ જ શ્વાસ શુભ વેળા,
કાલની વાટે બેઠા એના ખાલી રહ્યા છે મેળા;
લે છલાંગ તું પળની ધારે, જે થાશે તે થાશે —
ઢળતું જીવતર જાણે ફરીથી સવાર થઈને જાગ્યું…
મુહૂરત જોતાં જોતાં રે…
– પરાગ રતનપરા