← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૃગજળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જન્મ્યો ત્યારે
બાએ કહ્યું: ‘મોટો થઈશ ત્યારે સુખ.’
ભણ્યો ત્યારે
માસ્તરે કહ્યું: ‘નોકરી મળશે ત્યારે સુખ.’
નોકરીએ લાગ્યો ત્યારે
સાહેબે કહ્યું: ‘પ્રમોશન થશે ત્યારે સુખ.’
પરણ્યો ત્યારે
સૌએ કહ્યું: ‘છોકરાં થાળે પડશે ત્યારે સુખ.’

હવે
હૉસ્પિટલના પલંગ પર
નર્સ કહે છે:
‘રિપોર્ટ સારો આવશે ત્યારે…’

હું હસી પડું છું.

આખી જિંદગી
‘ત્યારે’ની પાછળ દોડ્યો;
‘અત્યારે’ તો
ઓશીકા નીચે જ પડ્યું હતું —
બાના હાથની
ગરમ રોટલી જેવું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહંસલોઆગલો લેખ →બાળપણ પાછું આપો