મોતને
ઓટલે બેસી, હસીને હું રમાડું મોતને,
દાવ મારો છે, જરા હું પણ પછાડું મોતને.
ડૉક્ટરે આપ્યા મને બે માસ, તો હું શું કરું?
ગીત ગાઉં, ખોળલે લઈ, હું સુવાડું મોતને.
એ ય થાક્યું છે બિચારું, લાખ ઘર ફરતું રહે,
પાટલો ઢાળી, ધરી થાળી, જમાડું મોતને.
આખરે તો એ જ જીતે, એ ખબર છે, પણ હજી
રોજ ઠેલી, રોજ પાછું હું ભગાડું મોતને.
આ પરાગે શ્વાસની ખુશ્બૂ ભરી'તી ગીતમાં,
એ જ ખુશ્બૂથી હવે હું તો જગાડું મોતને.
– પરાગ રતનપરા
#ગઝલ #મૃત્યુ #જિજીવિષા #હિંમત #જીવનરસ #પરાગરતનપરા
#GujaratiGhazal #FacingDeath #Courage #WillToLive #Mortality #ParagRatanpara