← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોટા થયા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નાના હતા તો એક જ થાળીમાં જમતા,
મોટા થયા, ને આંગણે ભીંત ચણતા.

એક જ ભમરડો, એક જ દોરી, એક જ લીમડે ઝૂલો,
એક રડે તો બીજો રડતો, એ ભોળપણ ના ભૂલો;
આજ વકીલો સાથે ભાઈઓ ખેતર-શેઢા ગણતા…
નાના હતા…

માનાં ચશ્માં, બાપની લાકડી, વહેંચી નાખ્યાં ભાગે,
ઘરડી મા તો રોઈ પડી, ઊભી ઉંબર આગે;
ભાઈ-ભાઈ ના બોલે, પણ ફોને ‘સ્ટેટસ’ મૂકતા…
નાના હતા…

પરાગ કહે: મોટા થવું તો ઝાડ જેવું થાજો,
ડાળ ભલે અલગ થાય, પણ મૂળ એક જ રાખજો;
છાંયો સૌને સરખો દેજો, જેમ બાળપણે રમતા…
નાના હતા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખએટલું દેજેઆગલો લેખ →આવી ગઝલ