← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એટલું દેજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારગ સહેલો ના કરજે, પ્રભુ, પગમાં જોર દેજે,
ભાર ભલે ને ભારે હો, બસ ખભ્ભા મજબૂત કરજે.

આંધી આવે તો ઠીક, બસ દીવાને ટકવા દેજે,
આંસુ આવે તો ઠીક, બસ આંખોને ઝળકવા દેજે;
પડું તો ઊભો થાઉં, એવી ઠોકરમાં તું રહેજે…
મારગ સહેલો…

જીતું ત્યારે નમે મન, ને હારું ત્યારે ઊભું,
પારકાના દુઃખે દ્રવે, એવું દેજે હૈયું ઊંડું;
તારી પાસે ભીખ નથી, બસ તારો હાથ તું દેજે…
મારગ સહેલો…

પરાગ કહે: ફૂલને પ્રભુએ કાંટાથી ના બચાવ્યું,
કાંટા વચ્ચે ખીલવાનું એને હસતાં શીખવ્યું;
એવી શ્રદ્ધા, એવું બળ, મારા શ્વાસે શ્વાસે ભરજે…
મારગ સહેલો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખએક જ કપઆગલો લેખ →મોટા થયા