← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોરપીંછ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સૈયર, મારા અંબોડે કોણ મોરપીંછ ખોસી ગયું?
ઊંઘમાં હું તો ગોકુળ ગઈ ને જાગી ત્યાં તો શું થયું?

નીંદરમાં કો’ વાંસળી વાગી, ઝબકીને હું જાગી,
ઓશીકે જોઉં તો જમનાની ભીની રેતી લાગી;
પાંપણ પર કોઈ કદંબ ફૂલનું ઝાકળ મૂકી ગયું…
સૈયર, મારા અંબોડે…

સાસુ પૂછે: ‘વહુ, આ લીલો રંગ ક્યાંથી લાવી?’
નણદી હસીને બોલે: ‘ભાભી, રાતે ક્યાં જઈ આવી?’
હું શું બોલું? મારું મનડું મોરલો થઈને ગયું…
સૈયર, મારા અંબોડે…

પરાગ કહે: આ પીંછું નથી, આ તો કાનાની સહી છે,
જેને મળે એ રાધા થઈ, બાકી ગોપી રહી છે;
પીંછે પીંછે એક જ નામ ને મન ત્યાં જ રહી ગયું…
સૈયર, મારા અંબોડે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસ્ક્રીનમાંઆગલો લેખ →હાલ્યો જા