મોરલીનો માર
કાનુડા, તારી મોરલી વાગી ને મારું મહી ઢોળાઈ ગયું,
વાટ જોતી સાસુ ને નણદી, મારું નામ વગોવાઈ ગયું.
ગાગર લઈને જમના ગઈ’તી પાણી ભરવા કાજ,
સૂર તારો આવ્યો ને મેં તો મેલી કુળની લાજ;
ઘડો ઘાટે ને જીવ તારે ઘેર, એવું આ શું થઈ ગયું…
કાનુડા, તારી મોરલી…
વલોણું ઝાલું ને માખણ ઊતરે, તારી યાદ ઊતરે ભેળી,
રોટલો ઘડતાં આંગળી દાઝે, ભૂલી ગઈ હું વેળા;
ચૂલે મેલ્યું દૂધ ઊભરાયું, ઘર આખું સમજી ગયું…
કાનુડા, તારી મોરલી…
પરાગ કહે: આ મોરલી નથી, આ તો મનનો ચોર,
વગડે વાગે, વાગે હૈયે, વાગે ચારે કોર;
જેણે સાંભળ્યો એક જ સૂર, એનું જગ આખું ખોવાઈ ગયું…
કાનુડા, તારી મોરલી…
– પરાગ રતનપરા