મૂંઝાય છે
જોઈને હસતો મને આ વેદના મૂંઝાય છે,
ઘાવમાં ગાતો જુએ ત્યાં યાતના મૂંઝાય છે.
ઝૂંપડીમાં દીપ બળતો, ગીત ગાતાં સૌ જણાં,
વીજળી, તોફાન ને આ ગર્જના મૂંઝાય છે.
ઝેર પીધું, તોય ગાતી, નાચતી મીરાં જુઓ,
રાજની સૌ ક્રૂરતા, સૌ વંચના મૂંઝાય છે.
બાળ પૂછે: ‘રાતના ક્યાં ઊંઘતો સૂરજ હશે?’
ને મહાજ્ઞાની પિતાની કલ્પના મૂંઝાય છે.
કંટકોમાં ફૂલ ખીલે, મ્હેક વેરે છે પરાગ,
ડંખ દેતી શૂળની પણ ઝંખના મૂંઝાય છે.
– પરાગ રતનપરા
#ગઝલ #ખુમારી #વેદના #મીરાં #હિંમત #પરાગરતનપરા
#GujaratiGhazal #Resilience #SmileThroughPain #Meera #Courage #ParagRatanpara