મોકલું
કાગળોમાં શું લખું? લે, એક પીંછું મોકલું,
ને ઉદાસી હોય તો આખું ય ઝરણું મોકલું.
રાતભર જાગી હશે તું ચાંદ સામે જોઈને,
લે, તને ઊંઘાડવા આ એક સપનું મોકલું.
‘સાવ સૂકી છે હવે તુલસી’, લખે છે તું, સખી,
આંખનું વાદળ ભરીને સાવ ભીનું મોકલું.
‘ફોન પર બસ ચિત્ર મોકલ’, તું કહે છે આજકાલ,
હું જ જૂનો આદમી, તો ગીત જૂનું મોકલું.
ફૂલ તો કરમાઈ જાશે, શબ્દ પણ ભૂંસાઈ જાય,
આ ‘પરાગે’ મ્હેકતું અસ્તિત્વ આખું મોકલું.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમપત્ર #વિરહ #ટપાલ #સંદેશો #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveLetters #Longing #SendingLove #OldSchoolRomance #ParagRatanpara