દરિયાનો ગરબો
નવરાતની રાતે
માછીમારવાડમાં
ગરબો મંડાય છે
રેતી ઉપર.
વહાણ બધાં
લાંગરેલાં છે,
જાળ સુકાય છે,
અને દરિયો
પહેલી વાર
માછીમારોની દીકરીઓને
નાચતી જુએ છે.
એ તાળી પાડે છે
મોજે મોજે —
છબ… છબ… છબ…
ગરબાના દીવાનું
લાલ પ્રતિબિંબ
પાણી પર તરે છે,
જાણે કોઈ જલપરી
માથે ગરબો લઈને
કાંઠે આવવા મથતી હોય.
સવારે
વહાણ ફરી નીકળશે,
દીકરીઓ ફરી જાળ ગૂંથશે;
પણ દરિયો
આખું વરસ
એ નવ રાત
ગણગણતો રહેશે.
– પરાગ રતનપરા