મોકલું
હોઠ પર અટકી રહેલી એ જ વાતો મોકલું,
જાગતાં ગાળી અમે તે સૌ ય રાતો મોકલું.
એ દિવાળીએ સજાવેલા તમારા આંગણે
આજ પણ ઝળહળ થતી એ સર્વ ભાતો મોકલું.
એ નદીના ઘાટ પર કલરવ ભરેલી, ઓસથી
સાથ જોયાં’તાં અમે જે, એ પ્રભાતો મોકલું.
તું હસે છે ત્યાં, ભલે, પણ આંખ મારી ભીંજતી,
આંસુઓના ધોધ જેવા એ પ્રપાતો મોકલું.
આ પરાગે ફૂલ સાથે ગાંઠ જે બાંધી હતી,
એ સુગંધી ગાંઠનો આ આજ નાતો મોકલું.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #વિરહ #સ્મૃતિ #સંદેશ #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveAcrossDistance #Separation #Memories #Longing #ParagRatanpara