મોગરાની વેણી
મોગરાની વેણીમાં કોણે ગૂંથ્યો રે એક કાંટો?
મ્હેક ભેગો વાગ્યો હૈયે, ને પડ્યો લોહીનો છાંટો.
સાંજે સાયબે વેણી દીધી, હરખે મેં તો પહેરી,
રાતભર એ ખૂંચ્યા કીધી, તોય લાગી સોનેરી;
મીઠી પીડા એવી, જાણે મધમાં બોળ્યો કાંટો…
મોગરાની વેણીમાં…
સખી કહે: ‘લાવ, કાઢી દઉં,’ મેં તો ના પાડી હસીને,
‘રહેવા દે, એ જ તો મારા સાજનની સહી છે ને!’
વેણી કરમાઈ જાશે, પણ રહેશે હૈયે આંટો…
મોગરાની વેણીમાં…
પરાગ કહે: ફૂલ ને કાંટો, બેઉ એક જ ડાળે,
પ્રેમ મળે તો પીડા સાથે, એ જ રીત છે વ્હાલે;
કાંટો ઝીલે, એ જ પામે ફૂલનો સાચો વાંટો…
મોગરાની વેણીમાં…
– પરાગ રતનપરા