મોડું થયું, સાજન
મોડું થયું, સાજન, મોડું થયું,
તું આવ્યો ત્યારે આંગણું મારું સાવ રે સૂનું થયું.
કાજળ આંજી બેઠી’તી હું, ઝરૂખે દીવો મેલી,
ઋતુઓ આવી, ઋતુઓ ગઈ, ને હું તો રહી અકેલી;
દર્પણ મારું પૂછતું રહ્યું: ‘આ રૂપ શું તારું જૂનું થયું?’
મોડું થયું, સાજન…
ચૂંદડી મારી ઝાંખી પડી, ને મેંદી ઊડી ગઈ,
ગામની છોરીઓ સાસરે ગઈ, હું એકલી ઊભી રહી;
તારા નામનું ઝીણું ગાણું આંસુથી ભીનું થયું…
મોડું થયું, સાજન…
પરાગ કહે: પ્રીત ન જાણે ઘડિયાળ કે પંચાંગ,
મોડું આવે તોય ભરી દે ખાલી ખાલી માંગ;
વાળ રૂપેરી, તોય હૈયું પાછું નવું નવું થયું…
મોડું થયું, સાજન…
– પરાગ રતનપરા