← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોડું ન લગાવો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તેલ ખૂટે ને વાટ બુઝાય એ પહેલાં આવો રે,
ખાલી ઓસરીએ બેઠેલા અંધારાને ભગાવો રે…

સાંજે ચૂલે રોટલા ઘડ્યા, શાક વઘાર્યું ઝીણું,
તમે ન આવ્યા, ભાણું ઠર્યું, ને ઠર્યું હૈયું ભીનું;
થાળી ઢાંકી હું બેઠી છું, આવીને ઉઘડાવો રે…
તેલ ખૂટે ને…

કૂતરું ભસ્યું, ઝાંપો ખખડ્યો, દોડી ગઈ હું ઝાંપે,
પવન હતો, બીજું કોઈ નહીં, હૈયું થરથર કાંપે;
પગરવ જેવો પવન ન મોકલો, પોતે પગલાં લાવો રે…
તેલ ખૂટે ને…

પરાગ કહે: આ દીવો તો કાલે ફરી સળગશે,
પણ જે રાત વીતી જાશે, એ ક્યાંથી પાછી મળશે?
ઉંમરની આ વાટ ટૂંકી, મોડું ન લગાવો રે…
તેલ ખૂટે ને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબધું બરાબર છેઆગલો લેખ →સુધી આવ્યો