મોચી
ચાર રસ્તાના ખૂણે
લીમડા હેઠળ
રામજીકાકા
વર્ષોથી બેસે છે.
ટાંકો મારતાં પહેલાં
જોડું હાથમાં લઈને
એ એવી રીતે ફેરવે છે,
જાણે વૈદ નાડી તપાસતો હોય.
‘ભાઈ, તળિયું નહીં,
તમારી ચાલ ઘસાઈ છે,’
એ કહે છે,
ને દસ રૂપિયામાં
આખી ચાલ સરખી કરી આપે છે.
હવે સામે મૉલ ખૂલ્યો છે.
ત્યાં જોડાં ઘસાય
તો ફેંકી દેવાય છે.
રામજીકાકા હજી બેસે છે.
ઘરાક ઓછા છે,
પણ ટાંકો
હજી એટલો જ ઝીણો છે.
કેટલાક લોકો
બજાર માટે નહીં,
પોતાના હાથની
આબરૂ માટે કામ કરે છે.
– પરાગ રતનપરા