મંદિરે
કેટલો મોટો તમારો છે ચઢાવો મંદિરે?
એ પ્રમાણે દર્શનોનો છે લહાવો મંદિરે.
ભીડમાં ભીંસાઈ ભક્તો જીવ ખોતા, પણ ગણો
સાવ નાના, રોજના એ તો બનાવો મંદિરે.
દ્વાર પર ભૂખ્યો ભિખારી, ભોગ છપ્પન ભીતરે,
આ ખરો કે એ ખરો? કેવો ભુલાવો મંદિરે!
આમ ભક્તો તાપમાં ઊભા કલાકો લાઇને,
ખાસને ઝટ દ્વાર ખૂલે, ને વધાવો મંદિરે.
આ પરાગે ફૂલ ધર્યું, તો પુજારી બોલિયા:
‘ફૂલ છોડો, ભાઈ, નોટો સાથ લાવો મંદિરે.’
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ધર્મ #આડંબર #ભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #ReligiousHypocrisy #VIPDarshan #FaithAndMoney #ParagRatanpara