← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મિત્રોની યાદી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાઠમે જન્મદિવસે
ફોનમાં
મિત્રોની યાદી ખોલી.

બસો સત્તાવીસ નામ.

કેટલાંક નામ નીચે
હજી
‘છેલ્લે જોયા: ૨૦૧૯’ લખેલું છે,
જે હવે
ક્યારેય બદલાવાનું નથી.

કેટલાંક નામ
એવાં કે ચહેરો યાદ નથી,
માત્ર એટલું યાદ છે
કે એક લગ્નમાં
સાથે ભજિયાં ખાધાં હતાં.

ને ત્રણ નામ એવાં
જેમને ફોન કરવા
યાદીની જરૂર જ નથી —
રાતે બે વાગ્યે પણ
આંગળીઓ જાતે
નંબર દબાવી દે.

મેં બસો ચોવીસ નામ
ત્યાં જ રહેવા દીધાં.
હિસાબ તો
આ ત્રણનો જ છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખભીંજાયાં નહીંઆગલો લેખ →ખોટો પડે