મેં માગ્યું
મેં ઈશ્વર પાસે છાંયો માગ્યો;
એણે મને બીજ આપ્યું.
મેં નદી માગી;
એણે મને તરસ આપી —
ને પાવડો.
મેં સાથી માગ્યો;
એણે મને એકલતા આપી,
જેથી હું
મારી જ સાથે બેસતાં શીખું.
મેં જવાબ માગ્યા;
એણે મને પ્રશ્નો આપ્યા,
ઢગલાબંધ.
આજે
મારા આંગણે લીમડો છે,
ખેતરે કૂવો છે,
ને રાતે
હું મારી જાત સાથે
લાંબી વાતો કરું છું.
જવાબો હજી નથી મળ્યા;
પણ પ્રશ્નો હવે
વાગતા નથી,
ઝૂલાવે છે.
– પરાગ રતનપરા