મેહુલો
ઝરમર ઝરમર મેહુલો વરસે, ધરતી ઓઢે ધાન,
ખેડૂત નાચે, મોરલો ગાજે, ગાય આખું રાન.
ચૈત્ર-વૈશાખે ફાટી'તી ધરતી, તરસે ફાટ્યા હોઠ,
આજે આભે મોકલી દીધી મોતી ભરેલી પોઠ;
ભીની માટીની મ્હેકે મ્હેક્યું આખું યે વેરાન…
ઝરમર ઝરમર મેહુલો…
છોકરાં નાચે ખાબોચિયે, ને કાગળની હોડી તરતી,
વહુવારુ નેવે ઊભી, ઝીલે ટીપાં હસતી-ડરતી;
દાદા ખાટલે બેઠા બોલે: ‘ઓણ હરખશે ભગવાન!’…
ઝરમર ઝરમર મેહુલો…
પરાગ કહે: આ વરસાદ તો છે આભ-ધરાનું મિલન,
ઝીલે એ જ લીલું થાયે, ને સાચવે તે ધન;
હૈયું ખોલી ભીંજો, ભેરુ, છોડી મનનું માન…
ઝરમર ઝરમર મેહુલો…
– પરાગ રતનપરા