← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મેઘરાજા, ભાવ ન ખાઓ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેઘરાજા, હવે તો આવો, બહુ ખાધા આ ભાવ,
ટીવીવાળા ‘આજે આવશે’ કહે, ને તમે દ્યો દાવ!

વાદળ આવે કાળાં ઘેરાં, ગાજે ને ગડગડે,
ખેડુ દોડે છત્રી લેવા, ત્યાં તડકો પાછો પડે;
છાપરે ચડી જોયું, ત્યાં તો સૂરજ ચડાવે તાવ…
મેઘરાજા, હવે તો આવો…

વાવણી કીધી, બીજ નાખ્યાં, ઊંચે તાકે ગામ,
ભૂવા, ભજન ને યજ્ઞ કર્યા, દેડકાંનાં લગ્ન તમામ!
ગોરમહારાજે દક્ષિણા લીધી, ના આવ્યો છાંટો સાવ…
મેઘરાજા, હવે તો આવો…

પરાગ કહે: મેઘ પણ જાણે ધરતીનું સૌ દુઃખ,
થોડું તરસાવે, તો જ મળે ભીંજાવાનું સુખ;
આવો તો મૂશળધાર આવજો, હવે ન કરજો રાવ…
મેઘરાજા, હવે તો આવો…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખઆંખમાંઆગલો લેખ →આવશે