આવશે
કોણ જાણે મોત કઈ ક્ષણ, કઈ સવારે આવશે,
સાંજના કે રાતના, કે કો’ કિનારે આવશે.
થઈ ગયો તૈયાર, બાંધી પોટલી બેઠો અહીં,
ચાલશું, જ્યારે મરણ બસ એ ઇશારે આવશે.
ના જુએ એ ઝૂંપડી કે ના જુએ ઊંચા મકાન,
રાય-રંકે એક સરખું, એ જ દ્વારે આવશે.
ભાર સૌનો જે ઉપાડી ચાલતો’તો જિંદગી,
ચાર જણના એ ખભાના તો સહારે આવશે.
દેહ ખરશે ડાળથી, પણ મ્હેક ઊડી, ઓ ‘પરાગ’,
દૂર ઊંચા આભના એ, કો’ સિતારે આવશે.
– પરાગ રતનપરા
#ગઝલ #મૃત્યુ #જીવનદર્શન #અંતિમયાત્રા #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Death #Mortality #LastJourney #Spirituality #ParagRatanpara