મીટરગેજ
છેલ્લી વાર
મીટરગેજ ઊપડી.
સ્ટેશનમાસ્તરે
લીલી ઝંડી ફરકાવી
ને આંખો લૂછી.
એન્જિન
કાળો ધુમાડો છોડતું
ધીમું ધીમું ચાલ્યું —
જાણે
ગામનાં ખેતરોને
છેલ્લી વાર
નામથી બોલાવતું હોય.
હવે અહીં
બ્રૉડગેજ આવશે,
ઝડપી,
ચકચકિત,
ને કદાચ
ગામ પર
ઊભી પણ નહીં રહે.
ગામના છોકરાઓ
પાટા પર
કાન માંડીને
હજી બેઠા છે —
એમને ખબર નથી
કે જે
ધીમું ચાલતું હતું,
એ જ
સૌથી દૂર લઈ જતું હતું.
– પરાગ રતનપરા