મૌનની ભાષા
તમે બોલો નહીં તો ય મને સંભળાય,
તમારા મૌનમાં આખો દરિયો ઘૂઘવાય.
શબ્દોના પુલ તો ક્યારેક તૂટી પડે,
વાતોની વાડમાં કાંટા ય ખૂંચી પડે;
મૌનની કેડીએ સીધું હૈયે જવાય…
તમે બોલો નહીં તો ય…
આંખોની પાંપણ જ્યાં ધીરેથી ઢળે,
ત્યાં તો હજાર ગીતો ચૂપચાપ ઝળહળે;
હોઠ તો હાલે નહીં, ને હૈયું ગવાય…
તમે બોલો નહીં તો ય…
પરાગ કહે: ફૂલ ક્યાં બોલે છે કશું?
તોય ભમરો સમજે છે એનું સઘળું;
મૌનમાં જે મ્હેકે, તે જ સાચું કહેવાય…
તમે બોલો નહીં તો ય…
– પરાગ રતનપરા