મર્યા પછી
કોઈ ના આવ્યું કદી, તે આવશે મર્યા પછી,
રોટલો જેને ન મળ્યો, ભાવશે મર્યા પછી.
જેમણે ના ફૂલ દીધું જીવતાં મારા કદી,
એ ય મોટા હાર લઈ લઈ લાવશે મર્યા પછી.
ઓરડા સાતે ય ભરચક, ક્યાંય ખૂણો ના હતો,
સાવ નાની એ કબર તો ફાવશે મર્યા પછી.
જેમણે ના જીવતાં પૂછ્યું કદી ‘પાણી?’ જરી,
એ જ ગંગાજળ મુખે સૌ પાવશે મર્યા પછી.
ફૂલ થઈ જીવ્યો, હવે ખરતાં ય બોલે છે ‘પરાગ’:
‘કોઈ મારી મ્હેક પાછી વાવશે મર્યા પછી.’
– પરાગ રતનપરા
#ગઝલ #મૃત્યુ #દંભ #સમાજ #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Death #Hypocrisy #SocialSatire #Legacy #ParagRatanpara