મનનું પંખી
મનનું પંખી કેવું ઘેલું, કોઈ કહ્યું ના માને,
સરવર કાંઠે બેઠું તોયે ઝાંઝવાં પાછળ તાણે.
ચોમાસે આભ વરસે ત્યારે માગે એ તો તડકો,
તડકો આવે ત્યાં તો ઝંખે વાદળનો એક ભડકો;
જે હાથમાં હોય એને છોડી, દૂરનું ફળ એ માગે…
મનનું પંખી…
સોનાનું પીંજરું ઘડાવ્યું, ઝૂલો મોતી જડિયો,
તોયે પાંખ ફફડાવી બોલ્યું: ‘ક્યાં છે મારો દરિયો?’
દાણા નાખો, પાણી પાઓ, તોય ઉદાસી જાગે…
મનનું પંખી…
પરાગ કહે: આ પંખીને તો જોઈએ એક જ ડાળ,
જ્યાં બેસી એ ભૂલી જાય દિશા, સમય ને કાળ;
એ ડાળીનું નામ છે ‘ભીતર’, મળે તો મન જંપે…
મનનું પંખી…
– પરાગ રતનપરા