મનનું મંદિર
ખોલો રે ખોલો, મનનાં મંદિર-દ્વાર,
અંધારે બેઠો હું, પ્રભુ, દેખાડો અજવાળ.
ધૂપ કર્યો, દીવા કર્યા, ઘંટ વગાડ્યા લાખ,
તોય ભીતર અંધારું, ને ઝાંખી રહી આ આંખ;
અહંકારનું તાળું લાગ્યું, કોણ ઉઘાડે બાર?
ખોલો રે ખોલો…
ક્રોધની ધૂળ, ને લોભનો કાદવ, ઈર્ષ્યાનો ધુમાડો,
કેમ કરી તું આવે ભીતર? ક્યાંથી ઊઘડે કમાડો?
એક આંસુ પસ્તાવાનું, ધોઈ દે સૌ ભાર…
ખોલો રે ખોલો…
પરાગ કહે: પ્રભુ ન બેઠો પથ્થરના ગભારે,
એ તો બેઠો હૈયાના ખૂણે, કોઈ પોકારે ત્યારે;
મૌન થઈને સાંભળ્યું, તો ગુંજ્યો એનો સાદ અપાર…
ખોલો રે ખોલો…
– પરાગ રતનપરા