← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મનમોજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમે મનમોજી માણસ, અમને ઝાઝું ના સમજાય,
આભ ઓઢીએ, ધરતી પાથરીએ, ને ગીતો ગવાય.

ખિસ્સાં ખાલી, ભાથું ખાલી, તોય હૈયું ભરેલું,
જે મળ્યું તે વહેંચી ખાધું, જે ગયું તે ભૂલેલું;
વાદળ સાથે વાતો કરીએ, પવન સાથે ગાય…
અમે મનમોજી…

ઘડિયાળ નથી કાંડે, તોય સમય અમારો દાસ,
ઊગે સૂરજ ત્યારે સવાર, ને થાકીએ ત્યાં નિવાસ;
લોક કહે છે ‘ગાંડો’, અમે હસીએ, એ જ મજા કહેવાય…
અમે મનમોજી…

પરાગ કહે: આ દુનિયા આખી દોડે કોની પાછળ?
અમે તો બેઠા ઝાડની નીચે, જોતા પંખી-વાદળ;
જેને કશું ન જોઈએ, એનું આખું જગત ગણાય…
અમે મનમોજી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમનવા, શીદને મૂંઝાય?આગલો લેખ →પાનખર