મન હજી
રોજ માગે ચાંદ, ઝૂરે કેમ મારું મન હજી?
છે ભલે ઘરડું થયું તન, ને ઠગારું મન હજી.
કેટલાં તીરથ નહાયો ગંગ-જમનામાં ઘણું,
તોય છે દરિયા સમું આ સાવ ખારું મન હજી.
મેં તને ભૂલી જવાના લાખ કીધા છે શપથ,
શું કરું? રટતું રહે છે નામ તારું મન હજી.
વૈદ બોલ્યા: દેહ નરવો, ને બધું યે ઠીક છે,
પણ દવાથી ક્યાં થયું છે સાવ સારું મન હજી?
ઠેસ ખાધી છે પરાગે જિંદગીમાં, તોય પણ
આજ પણ ભોળું, ભલું ને સાવ પ્યારું મન હજી.
– પરાગ રતનપરા
#ગઝલ #મન #ઝંખના #પ્રેમ #માનવસ્વભાવ #પરાગરતનપરા
#GujaratiGhazal #RestlessMind #Longing #Innocence #HumanNature #ParagRatanpara