મળતું નથી
ફ્લેટ મોટા, લિફ્ટ ઝડપી, આંગણું મળતું નથી,
ડોરબેલો ગાજતી, પણ બારણું મળતું નથી.
હીટરો છે ઓરડે, પણ ગામના એ ચોકનું,
સૌ મળી બેસી શકે, એ તાપણું મળતું નથી.
બાળકો ડે-કેરમાં ને ઑફિસે મા જાય છે,
ગીત ગાતું, ઝૂલતું એ પારણું મળતું નથી.
મૉલમાં સાડી હજારો, બ્રાન્ડ ને લેબલ ઘણાં,
બા તણી ખુશ્બૂ સમેટી ઓઢણું મળતું નથી.
આ પરાગે ગામ છોડ્યું, ને નજર ઝાંખી પડી,
હેતથી માએ ભરેલું આંજણું મળતું નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #શહેરીજીવન #ગામ #મા #ઝુરાપો #પરાગરતનપરા
#GujaratiGhazal #CityLife #VillageNostalgia #Mother #LostWarmth #ParagRatanpara