મજૂરની હથેળી
જ્યોતિષીએ
મજૂરનો હાથ જોયો
ને ચશ્માં સરખાં કર્યાં:
‘આમાં તો રેખાઓ જ નથી!’
મજૂર હસ્યો:
‘હતી, સાહેબ.
ઈંટો ઊંચકતાં ઊંચકતાં
ઘસાઈ ગઈ.’
જ્યોતિષી પાસે
એ દિવસે કોઈ જવાબ નહોતો;
પણ સામે ઊભી થતી
ઇમારતની દરેક ઈંટ પર
એની રેખાઓ
સ્પષ્ટ વંચાતી હતી.
– પરાગ રતનપરા